મેથી- બાજરી ને ઘઉં ના લોટ ના ખાટામીઠા થેપલા by Asha Ramparia
ફ્રેન્ડસ, ક્યારેક પીકનીક કે ટ્રાવેલિંગમાં જવાનું હોય ત્યારે ગુજરાતી ઓની પ્રથમ પસંદગી થેપલા પર જ ઉતરે. મેં અહીં ટ્રાવેલિંગમાં ઉપયોગી થાય એવા થેપલા બનાવ્યા છે જેમાં પાણી નું પ્રમાણ નહિવત્ હોય ૩ થી ૪ દિવસ સારા રહે છે. આ રેસીપી આશા રામપરીયા એ શેર કરી છે.
૧-૧/૨ કપ ઘઉંનો લોટ
૧- ૧/૨ કપ બાજરીનો લોટ
૧ ચમચી લીલા મરચા ની પેસ્ટ
૧ ચમચી (સુકું) લસણ ની પેસ્ટ
૧ ચમચી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી હળદર
ચપટી હિંગ
મીઠું સ્વાદ પ્રમાણે
૧ કપ ખાટું દહીં
૨ ચમચી ખાંડ નું બુરું
૧ ચમચી તલ
૧ નાની વાટકી તલ ઉપર લગાવવા માટે
૧ કપ ઘોઇ ને સમારેલી લીલી મેથી
૨ ચમચી તેલ મોણ માટે
જરૂર મુજબ તેલ સેકવા માટે
બનાવવાની રીત:-
૧) સૌ પ્રથમ કથરોટ માં ઘઉં અને બાજરી નો લોટ તેમજ ઉપર જણાવેલા બધા જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને જરુર જણાય તો જ થોડું પાણી એડ કરી ખટમીઠો અને તીખાશ વાળો લોટ બાંધવો. લોટ થોડો કઠણ રાખવો. દહીં અને તેલ ના વપરાશ થી થેપલા ક્રિસ્પી અને સોફ્ટ પણ થશે.
૨) હવે તવી ગરમ કરી લોટ માંથી નાનું ગુલ્લુ લઈને થેપલુ વણી પાણી લગાડી ને ૧/૨ ચમચી તલ છૂટા લગાવી દો અને બંને સાઇડ ક્રિસ્પી સેકી લો. આ થેપલા ને છુટા જ રાખવા થોડા ઠંડા પડે પછી જ થપ્પો કરવો જેથી ભેજ નું પ્રમાણ બીલકુલ નાં રહે અને ગમે ત્યારે ખાવ ફ્રેશ જ લાગે. આ થેપલા ચા, કોફી સાથે પણ સરસ લાગે છે મેં અહીં માખણ, મરચાં અને ગોળ સાથે સર્વ કર્યા છે.



Comments
Post a Comment