મેથીનાં ઢેબરા અને મેથીનાં વડા by Nigam Thakkar
થેપલા ની એકદમ સરસ અને પારંપરિક રેસીપી લઇ ને આવ્યા છે નિગમ ઠક્કર, આ વાનગી ખુબ જ ગુણકારી છે. નિગમ ઠક્કર ની બીજી રેસીપી તમે YouTube Channel પર જોઈ શકો છો.
#મેથીનાં_ઢેબરા અને #મેથીનાં_વડા (#થેપલાં)
દરેક ગુજરાતીઓનાં ઘરમાં અલગ-અલગ પ્રકારનાં થેપલા અને વડા બનતા હોય છે. એમાં પણ શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના દાણા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથીનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે "કેડમાં છોકરું ને ગામમાં ગોતવા જાય" અર્થાત બધી બીમારીઓનો ઉપચાર આપણા રસોડાનાં ઔષધમાં જ છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં ઢેબરા અને વડા બનાવીશું.
સામગ્રી -
૫૦૦ ગ્રામ બાજરીનો લોટ
૨૦૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
૨૫૦ ગ્રામ મેથીની ભાજી
૩ ચમચી આદુ મરચાંની પેસ્ટ
૨ ચમચી તલ
૧ ચમચી અજમો
૧ ચમચી હળદર
૧/૪ ચમચી હીંગ
સ્વાદાનુસાર મીઠું
૩ ચમચા તેલ (મોણ માટે)
૩ ચમચી ખાંડ અથવા ગોળ
જરૂર મુજબ છાશ
જરૂર મુજબ ઘઉંનો લોટ (અટામણ માટે)
જરૂર મુજબ તેલ (શેકવા માટે)
રીત -
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ તથા ઘઉંનો લોટ ચાળીને મિક્સ કરો. તેમાં આદુ-મરચાંની પેસ્ટ, તલ, અજમો, હળદર, હીંગ, મીઠું, ખાંડ અથવા ગોળનો ભૂકો તથા મોણ માટે તેલ ઉમેરો. મેં ઘીની બગરી (કીટુ) પણ ઉમેરી છે. લસણની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય છે. તેમાં સમારેલી મેથીની ભાજી ધોઈને કોરી કરીને ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. જરૂર મુજબ છાશ ઉમેરીને મધ્યમ નરમ લોટ બાંધો. લોટને ઢાંકીને એક કલાક પલાળવા દો. તેમાંથી લુઆ કરીને અટામણ લઈને મધ્યમ જાડા ઢેબરા વણો. તવા પર તેલ મૂકીને ઢેબરાને બંને બાજુ બરાબર શેકી લો. ગરમાગરમ ઢેબરાને ઘી, ગોળ, લીલી હળદર તથા કેરીના છૂંદા સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મેથીનાં ઢેબરા.
મેથીનાં વડા બનાવવા માટે બાંધેલા લોટમાંથી નાના લુઆ તૈયાર કરો. આદણી પર સહેજ ભીનો કરેલો રૂમાલ પાથરીને તેની પર ચાર લુઆ મૂકો. રૂમાલ ફોલ્ડ કરીને વાટકી વડે દબાવો એટલે વડા વણાઈને તૈયાર થશે. હાથ વડે ટીપીને પણ બનાવી શકાય છે પણ તેમાં વધુ સમય લાગે છે. ચોખાની પાપડી બનાવવાનાં મશીનમાં પણ દબાવી શકાય છે. તૈયાર કરેલા વડાને કઢાઈમાં તેલ ગરમ કરીને ડીપ ફ્રાય કરો. તો તૈયાર છે મેથીનાં વડા.





Comments
Post a Comment